ખાલિસ્તાનીઓનો વાગ્યો ‘મૃત્યુઘંટ’ ! મોટા ગજાના નેતા અમૃતપાલની ધરપકડ, પંજાબમાં ઈન્ટરનેટ બંધ
પંજાબ રાજ્યના અનેક જિલ્લામાં રવિવાર રાતે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ અને તેના કેટલાક સાથીઓની નકોદર નજીકથી અટકાયત કરી છે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે પંજાબના ઘણા જિલ્લાઓમાં રવિવારે મધરાત 12 સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી હથિયાર અને 2 વાહનો જપ્ત કર્યા છે. અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે, જેમાંથી 2 નફરતભર્યા ભાષણ સાથે સંબંધિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ 6ની ધરપકડ ધરમકોટ નજીકના મહિતપુર પોલીસ સ્ટેશન પાસે કરી છે.
પંજાબ સરકાર તરફથી એક નિવેદન આવ્યું છે. જેમાં જણાવાયું છે કે જાહેર સુરક્ષાના હિતમાં પંજાબના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં તમામ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, તમામ એસએમએસ સેવાઓ (બેંકિંગ અને મોબાઈલ રિચાર્જ સિવાય) અને મોબાઈલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી તમામ ડોંગલ સેવાઓ, વોઈસ કોલ સિવાય, 18 માર્ચથી સ્થગિત કરવામાં આવશે. આ સેવાઓ માર્ચ 19 (12:00 કલાક) સુધી બંધ રહેશે.
ખાલિસ્તાની દળોને એકજૂથ કરનાર અમૃતપાલ સિંહ (30 વર્ષ) પંજાબમાં ‘વારિસ પંજાબ દે’ નામનું સંગઠન ચલાવે છે. આ સંગઠનની રચના અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ કરી હતી. 15 ફેબ્રુઆરી 2022ના રોજ એક માર્ગ અકસ્માતમાં દીપ સિદ્ધુનું અવસાન થયું, ત્યારપછી થોડા મહિના પહેલા દુબઈથી પરત આવેલા અમૃતપાલ સિંહે આ સંગઠનની કમાન સંભાળી અને તેના વડા બન્યા. તેમણે ખેડૂત આંદોલનમાં પણ રસ દાખવ્યો. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ ‘વારિસ પંજાબ દે’ વેબસાઈટ બનાવવામાં આવી અને લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલ 2012માં દુબઈ ગયો હતો. ત્યાં તેણે ટ્રાન્સપોર્ટનો ધંધો કર્યો. તેના મોટાભાગના સંબંધીઓ દુબઈમાં રહે છે. અમૃતપાલે પ્રારંભિક શિક્ષણ ગામની શાળામાં જ પૂર્ણ કર્યું. તેણે 12મા સુધી અભ્યાસ કર્યો છે.
અમૃતપાલ સિંહના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે, પંજાબ પોલીસે તેના નવ સહયોગીઓના હથિયારના લાયસન્સ પહેલાથી જ રદ્દ કરી દીધા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને આપવામાં આવેલા હથિયારના લાઇસન્સ સ્વરક્ષણ માટે હતા. કોઈની અંગત સુરક્ષા માટે નહીં.
પોલીસે થોડા દિવસો પહેલા અમૃતપાલ સિંહના સાથી ગુરિંદર સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ગુરિન્દર સિંહ જ્યારે દેશ છોડવા જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. ગુરિન્દર સિંહ ગુરુ રામદાસ એરપોર્ટ પરથી લંડન ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.