
પાડોશી જિલ્લામાં કોરોનાના કેસો સામે આવ્યા છે. આ બાદ આજે ખેડા જિલ્લામાં અઢી માસ બાદ કોરોનાએ દેખા દીધો છે. ખેડા પંથકમાંથી કોરોનાનો એક પોઝેટીવ કેસ સામે આવતાં જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. નોંધનીય છે કે, છેલ્લો કોરોના પોઝેટીવ 28મી ડીસેમ્બરના રોજ નડિયાદના ગુતાલ ગામેથી પ્રકાશમાં આવ્યો હતો. આ બાદ આજે કોરોનાનો 1 કેસ નોધાયો છે.
ખેડા જિલ્લામાં 81 દિવસના લાંબા સમય બાદ કોરોનાની એન્ટ્રી થઈ છે. ડબલ ઋતુ વચ્ચે વધતા વાયરલ ઇન્ફેક્શનના કેસો વચ્ચે કોરોનાએ પગપેસારો કર્યો છે. આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ કોરોના પોઝેટીવ આ 30 વર્ષિય યુવાન છે. તે ખેડામાં રહે છે અને અમદાવાદ ખાતે સર્વિસ કરે છે. ગત 14મી માર્ચના રોજ શરદી, ઉધરસના લક્ષણો દેખાય હતા. આ બાદ આજે આ યુવાનનો કોરોના રીપોર્ટ કરવામાં આવતાં તે પોઝેટીવ આવ્યો છે. ઘરના કુલ 7 સભ્યો તેમજ યુવાનના સંપર્કમાં આવેલા 50 જેટલા લોકોના ટેસ્ટ પણ કરાયા છે. હાલ આ દર્દી હોમ આઈસોલેશન હેઠળ સ્ટેબલ છે. મહત્વનું છે કે, આ કોરોના પોઝેટીવ દર્દીએ કોવિશિલ્ડના 3 ડોઝ લીધા છતાં પણ કોરોનાની લપેટમાં આવી ગયા છે.