
આણંદની ભાદરણ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન બાતમીને આધારે સિસ્વા ગામ નજીકથી બિસ્કીટના બોક્સની આડમાં ટ્રકમાં લઈ જવાતો મોટો દારૂનો જથ્થો ઝડપ્યો છે.ઝડપાયેલ ડ્રાઈવરે કબૂલાત કરી કે વડોદરાના બુટલેગરે આ જથ્થો મંગાવ્યો હતો.આ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ ભાદરણ પોલીસ ગતરાત્રિના સમયે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન બાતમી મળી હતી કે, આઇસર ટ્રક નંબર એચ.આર.55એ.એ.4821માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરીને કિખલોડ તરફથી ભાદરણ ચમારા ચોકડીથી પસાર થઈ વડેલી થઈને દહેવાણ તરફ આવનાર છે. આ મળેલ ચોક્કસ માહિતીને આધારે ભાદરણ પોલીસની ટીમ સિસ્વા વડેલી રોડ ત્રણ રસ્તા ચોકડી ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. તે દરમિયાન ઉપયુકત માહિતી વાળી આઇસર ટ્રક આવી પહોંચતા પોલીસે આઇસરને ઉભી રખાવી ચેકીંગ હાથ ધર્યું હતું.
આ ચેકીંગ દરમિયાન પોલીસે શંકાના આધારે આઇસર પાછળની તાડપત્રી હટાવીને તપાસ કરતાં બિસ્કીટના બોક્સ મળી આવ્યાં હતાં. જે બોકસ હટાવીને ચેક કરતાં વિદેશી દારૂની અલગ -અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતાં વિદેશી દારૂની વિસ્કીની 225 પેટીઓ જેમાં 10લાખ 80હજાર કિંમતની 10હજાર 800 નંગ બોટલ હતી.આ ઉપરાંત McDowells No.1ની વિદેશી દારૂની 85 પેટીઓમાં 3,82,500ની કિંમતની1,020નંગ બોટલ હતી. તેમજ અન્ય વિદેશી દારૂની 94 પેટીઓમાં 5,86,560ની કિંમતની 1128નંગ બોટલ મળી આવી હતી. આમ ભાદરણ પોલીસે 404નંગ પેટમાંથી 12948નંગ બોટલ સહિત 20,49,060નો ભાદરણ પોલીસની હદમાં હેરાફેરી થતો વિદેશી દારૂનો મસ મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે.આ ઉપરાંતમાં ભાદરણ પોલીસે બિસ્કીટના 316 બોક્સમાં 1,13,960ની કિંમતના 11,376 નંગ બિસ્કીટ પેકેટ તથા 8લાખની આઇસર ટ્રક તેમજ મોબાઈલ મળી કુલ29,70,820નો મુદ્દામાલ કબજે લીધો છે.
મહત્વનું છે આ દારૂના જથ્થા અને આઇસરના ડ્રાઇવર તથા તેની સાથે બેઠેલ અન્ય એક ઈસમનું નામ ઠામ પુછતાં આઇસર ટ્રક ડ્રાઇવરે પોતાનું નામ કુલદીપસિંગ નિર્મલસિંગ જાટ રહે, સોઢીનગર પોસ્ટ ઘાલી જીલ્લો ફિરોજપુર પંજાબ તથા અન્ય ઈસમે તેનું નામ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો હમીરસિંહ પરમાર રહે, દહેવાણ મોટું ફળિયું સીમ વિસ્તાર તાલુકો બોરસદ હોવાનું જણાવ્યું હતું.જેઓની વધુ પૂછપરછ કરતાં આઇસર ડ્રાઇવર કુલદીપસિંગ જાટ અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ઘમો પરમારે કબૂલાત કરી હતી કે વિદેશી દારૂનો જથ્થો પંજાબ હરિયાણા બોર્ડર નજીક હોટલ પરથી ગુજરાતમાં સરવન મણિલાલ મારવાડી રહે, વડોદરા, તથા દિકુ નામના ઈસમે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો.
ભાદરણ પોલીસે આ કબુલાતના આધારે આઇસર ચાલક કુલદીપસિંગ જાટ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો પરમાર, સરવન મણીલાલ મારવાડી તથા દિકુ નામના ઈસમ વિરુદ્ધ પ્રોહીબીશિનની જુદી- જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.