
ઈન્દોરના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની દુર્ઘટનામાં અત્યારસુધીમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. 20થી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આખી રાત બચાવ કામગીરી ચાલી રહી હતી. 12થી 1.30 વાગ્યાની વચ્ચે વધુ 16 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. સેનાએ પણ મોરચો સંભાળી લીધો હતો. શુક્રવારે સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વહીવટીતંત્રની પણ અનેક ટીમો બચાવ કામગીરીમાં લાગી છે. વાવમાંથી કાળું પાણી નીકળી રહ્યું છે, જેને કારણે ટીમને મુશ્કેલીઓ પડી રહ્યો છે. એક 53 વર્ષીય વ્યક્તિ હજુ પણ ગુમ છે.
આ બનાવમાં 35નાં મોત થયાં છે તેમાંથી 11 લોકો તો કચ્છના નખત્રાણા પંથકના મૂળ વતની હતા. આ લોકો કચ્છ પાટીદાર સમાજના હતા અને વર્ષોથી ધંધાર્થે ઇન્દોર સ્થાયી થયા હતા. મૂળ કચ્છના 11 લોકોના પણ આ દુર્ઘટનામાં જીવ ગયા છે.
ગુરુવારે રામનવમીના પર્વ પર અહીં પૂજા કરવામાં આવી રહી હતી. સવારે 11 વાગ્યે હવનનો પ્રારંભ થયો હતો. મંદિર પરિસરની અંદર વાવની છત પર 60થી વધુ લોકો બેઠા હતા. આ દરમિયાન વાવની છત અચાનક તૂટી ગઈ હતી. છત પર બેઠેલા તમામ લોકો 60 ફૂટ ઊંડી વાવમાં પડી ગયા હતા. આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે.
રાજેશ યાદવ પણ વાવમાં પડી ગયો હતો. રેસ્ક્યૂ ટીમે તેમને બહાર કાઢ્યો હતો. તેણે કહ્યું, ‘પૂર્ણાહુતિના સમયે અચાનક જ જમીન ધસી ગઈ. અમે વાવમાં પડી ગયા હતા. બધા બૂમો પાડી રહ્યા હતા. જેમ-તેમ કરીને હું વાવના ખૂણે પહોંચ્યો હતો. આજુબાજુના પથ્થરો ધસી રહ્યા હતા. મારી સાથે 10-12 લોકોએ પથ્થરો પકડી રાખ્યા હતા. એક મહિલાને દોરડા વડે ઉપર લઈ જઈ રહ્યા હતા, પછી તે ઉપરથી પડી ગઈ અને તેને બચાવી શકાઈ નહીં.
બીજી તરફ વાવમાં પાણી ભરાઈ રહ્યું હતું, જેના કારણે બચાવ કામગીરીને અસર થઈ હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી દોરડા વડે વાવમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. અધિકારીઓને આશંકા છે કે હજુ પણ કેટલાક મૃતદેહો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે.
વાવમાં વધુ પાણી હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. એ બાદ પંપની મદદથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. પાણી ઓછું થતાં ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. SDRFના DIG મહેશચંદ્ર જૈને જણાવ્યું હતું કે કૂવામાં ઘણું પાણી હતું, કંઈ દેખાતું ન હતું. પાણી સતત ખાલી થતું હતું. જે પછી એમાં અન્ય ડેડબોડી જોવા મળી હતી.
તેમણે કહ્યું હતું કે SDRF, NDRF, આર્મી ટીમ, પોલીસ અને પ્રશાસન બચાવમાં લાગેલા છે. શરૂઆતમાં લગભગ 20 લોકોને વાવમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એમાંથી ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મંદિર સમિતિએ 30 વર્ષ પહેલાં પરવાનગી વગર ગેરકાયદે વાવને ઢાંકી દીધી હતી. ભક્તોને પણ એ ખબર ન હતી તેઓ વાવ પર બેઠા છે. કોર્પોરેશનના રેકોર્ડમાં નોંધાયેલા 629 વાવની યાદીમાં પટેલનગરની વાવનો કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી. સમિતિએ વાવ પર જાળી લગાવીને છત બનાવી લીધી હતી.
ગત વર્ષે ગેરકાયદે બાંધકામની ફરિયાદ બાદ કોર્પોરેશને નોટિસ ફટકારી ત્યારે કમિટીના ચેરમેન સેવારામ ગલાણીએ વાવ ખોલવાની વાત કરી હતી. નેતાઓની દરમિયાનગીરીના કારણે કોર્પોરેશને પણ માત્ર નોટિસ જોઈને જ જવાબદારી નિભાવી અને કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.
23 એપ્રિલ 2022ના રોજ રહેવાસીઓની ફરિયાદ પર સમિતિના અધ્યક્ષ ગલાનીને ગેરકાયદે બાંધકામની નોટિસ આપવામાં આવી હતી. 25 એપ્રિલે ગલાનીએ જવાબ આપ્યો કે કોઈ ગેરકાયદે બાંધકામ નથી. વાવને ખોલી નખાશે. મંદિરના જીર્ણોદ્ધારમાં અડચણ ઊભી કરતી ધાર્મિક લાગણીઓને ઉશ્કેરશો નહીં. સ્નેહ નગર વિકાસ મંડળની ફરિયાદ પર 30 જાન્યુઆરી, 2023ના રોજ નોટિસ આપવામાં આવી હતી. એ જ જવાબ આપ્યો હતો કે કંઈ ખોટું થયું નથી.
ઈન્દ્રકુમાર હરવાણી સાધુ વાસવાણી નગરઃ મિત્ર દિલીપ ખૂબચંદાનીએ જણાવ્યું હતં કે ઈન્દ્રકુમારની આ વિસ્તારમાં ક્રિષ્ના બુટિક નામની દુકાન છે. તે પુત્ર સાથે દુકાન સંભાળતા હતા. લોકો તેમને ભાઉના નામથી ઓળખતા હતા. તેઓ રોજની જેમ મુજબ મંદિરે ગયા હતા. દુર્ઘટનામાં ગુમ થવાની માહિતી મળતાં શાળામાં સાથે અભ્યાસ કરતા 5 મિત્રોએ પણ શોધખોળ શરૂ કરી. ઈન્દકુમારની અંતિમ ઈચ્છા મુજબ પરિવારે આંખો અને ચામડીનું દાન કર્યું છે.
મધુ (48) પતિ રાજેશ ભમ્માણી સરનામું 41 સર્વોદયનગર: પતિ રાજેશે જણાવ્યું કે પત્ની મધુ 8માં ધોરણમાં ભણતી 13 વર્ષની દીકરી મહેકને લઈને દર્શન કરવા ગઈ હતી. તેણે કહ્યું કે તે હવન પૂરો થયા બાદ જલદી ઘરે આવશે અને સાથે ભોજન કરશે. સાંજે મધુનો મૃતદેહ મળ્યો, પણ મહેકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેણે પત્નીની આંખોનું દાન કર્યું છે.
જયવંતી (84) પતિ પરમાનંદ ખૂબચંદાણીનું સરનામું સ્નેહનગર: જયવંતી ખૂબચંદાણી એક દિવસ પહેલાં અમૃતસરથી પરત ફર્યાં હતાં. સંબંધીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી આ મંદિરે આવે છે. એટલા માટે તેમને મંદિર તરફથી ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પૌત્ર સાવન ખૂબચંદાણી તેમને મૂકવા ગયો હતો. તે તેનાં દાદીને મૂકીને પછી દુકાને ગયો હતો. તેઓ પણ વાવમાં પડી ગયાં હતાં અને મૃત્યુ પામ્યા હતા.