હવે ક્યાં રહેશે? રાહુલ ગાંધી : સરકારી બંગલો છોડવાની નોટિસ
હવે તેમને પોતાનો સરકારી બંગલો પણ ખાલી કરવો પડશે

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. હવે તેમને પોતાનો સરકારી બંગલો પણ ખાલી કરવો પડશે. લોકસભા સચિવાલયે રાહુલને 24 એપ્રિલ સુધી બંગલો ખાલી કરવા નોટિસ આપી છે. રાહુલ હાલમાં લ્યુટિયન્સ દિલ્હીમાં 12, તુગલક લેન ખાતેના સરકારી બંગલામાં રહે છે. આ બંગલો તેમને 2005માં ફાળવવામાં આવ્યો હતો જ્યારે તેઓ 2004માં અમેઠીથી પહેલીવાર સાંસદ બન્યા હતા.
રાહુલે આ જ વર્ષે 26 ફેબ્રુઆરીએ કોંગ્રેસનાં 85માં અધિવેશનમાં કહ્યું હતું કે મારી પાસે કોઈ ઘર નથી. આવામાં મોટો સવાલ ઉભો થાય છે કે સરકારી બંગલો ખાલી કર્યા પછી રાહુલ ક્યાં રહેશે?
રાહુલને 27 માર્ચે લોકસભા હાઉસિંગ કમિટીએ બંગલો ખાલી કરાવાની નોટિસ આપી હતી. રાહુલને તેના જવાબમાં 28 માર્ચ એટલે કે મંગળવારે જવાબ પણ આપ્યો, ‘હું ચાર વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયો. આ લોકોનો આદેશ હતો. હું તે લોકોનો આભારી છું. આ ઘરથી મારી ઘણી યાદ જોડાયેલી છે. હું નોટિસમાં આપવામાં આવેલા આદેશનું પાલન કરીશ.’
લોકસભાની હાઉસિંગ કમિટી ઈચ્છે તો કોઈ પણ સાંસદનું સભ્યપદ જવા પર અથવા મંત્રી પદ જવાની સ્થિતિમાં સરકારી બંગલામાં રહેવાની મંજૂરી આપી શકે છે. આ માટે સરકારી બંગલામાં રહેનાર વ્યક્તિએ માર્કેટ રેટ અનુસાર ભાડું આપવાનું રહેશે. રાહુલ ગાંધી પાસે પણ વધુ સમય માગવાનો અધિકાર છે. હવે જોવાનું રહેશે કે રાહુલ વધુ સમય માગશે કે બંગલો ખાલી કરશે.
રાહુલના જવાબથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે તે સરકારી બંગલો છોડવાનું મન બનાવી ચૂક્યા છે.