વલ્લભ વિદ્યાનગરમાં તમાકુની પડીકીઓ વેચતો વેપારી ઝડપાયો

આણંદ, તા. ૧૮
હાલમાં લોકડાઉનને લઈને તમાકુ ગુટખાના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં વલ્લભ વિદ્યાનગરમાં તમાકુની પડીકીઓનું વેચાણ કરતા શખ્સને વલ્લભ વિદ્યાનગર પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર વલ્લભ વિદ્યાનગર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ડીસ્ટાફના હેકો ભુપતભાઈ સહિતના સ્ટાફે વિદ્યાનગર નાના બજારમાં ગાયત્રી ડાઈનીંગ હોલ ઉપર છાપો મારતા શૈલેષભાઈ માધુભાઈ ઠાકોર નામનો યુવક હાથમાં બે થેલા લઈને ઉભો હતો. જેથી પોલીસે થેલાની તલાસી લેતા તેમાંથી તમાકુ, જાફરાની જર્દાના જુદા જુદા સો પેકેટમાં પડીકી નંગ આઠ હજાર અને ગુટખાની સો પડીકી મળી આવ્યા હતા. જેથી પોલીસે ૮૪૦૦ રુ.નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ કરતા આ ગુટખા અને તમાકુની પડીકીઓ વેચાણ માટે લઈ જઈ રહ્યો હોવાની કબુલાતના આધારે પોલીસે આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસે હેકો ભુપતભાઈની ફરિયાદના આધારે શૈલેષભાઈ માધુભાઈ ઠાકોર વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.