
રાઇટ ટુ એજયુકેશન (આરટીઇ) અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અરજી કરવાનો આજે છેલ્લો દિવસ હતો. ચાલુ વર્ષ આરટીઇમાં ફોર્મ ભરવા માટે ઇન્કમટેકસ રીટર્ન ફરજિયાત કરવામાં આવ્યા બાદ અરજીઓમાં ઘટાડો થયા હોવાનું તેમજ કેટલાક વાલીઓએ ભરેલ અરજી કેન્સલ કરાવ્યાની વિગતો પણ બહાર આવી છે.
ગત વર્ષ ૧૬૧૭ અરજીઓ મંજૂર કરવા સામે આ વર્ષ ૧ર૯૭ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આજે આરટીઇ અંતર્ગત અરજી કરવાના છેલ્લા દિવસ સુધી કુલ ર૧૭પ અરજીઓ આવી હતી. જેમાંથી ૧ર૯૭ને મંજૂરી, ર૮૩ રીજેકટ અને પ૬૭ અરજીઓ વાલીઓ કેન્સલ કરાવી હતી. જયારે ર૮ અરજીઓ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. આરટીઇ અંતર્ગત આણંદ જિલ્લાની ર૧૧ ખાનગી સ્કૂલોમાં રપ ટકા બેઠકો પર ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે. આ યોજના અંતર્ગત પ્રવેશ ઇચ્છતાં વિદ્યાર્થીઓ-વાલીઓને ૧૦ એપ્રિલથી આજે રર એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાની મુદ્દત આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર પૈકીના કેટલાક બાળકોના વાલીઓ બોગસ ડોકયુમેન્ટ ઉભા કરીને પોતાના સંતાનોને સારી સ્કૂલમાં પ્રવેશ અપાવ્યાની ફરિયાદ અગાઉ થવા પામી હતી.
વર્ષ ર૦૧પ-૧૬માં શરુ થયેલ આરટીઇ હેઠળ વિતેલા વર્ષોમાં કેટલાક વાલીઓએ બનાવટી ડોકયુમેન્ટ તેમજ નિયમ વિરુદ્વ એડમિશન મેળવ્યા હોવાની ફરિયાદ થવા પામી હતી. પરંતુ તે માટે તપાસ કમિટી નીમાશે સહિતના રટણ છતાંયે શિક્ષણ વિભાગ દ્વારા કોઇ નકકર કામગીરી કરવામાં આવી નહતી. આ મામલો રાજયકક્ષાએ પહોંચ્યો હતો. જેના અનુસંધાનમાં ચાલુ વર્ષ આ યોજનામાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓએ ફોર્મની સાથે ઇન્કમટેકસ રીટર્ન જમા કરાવવાની ફરજ પાડવામાં આવી હતી. જેની અસર આ વષ્ેર ફોર્મ ભરવામાં જોવા મળી હતી.