
- વિદ્યાનગર દૂધ મંડળીના પૂર્વે ચેરમેન અને સેક્રેટરીનું કારસ્તાન
- જિલ્લા રજિસ્ટ્રારનો 10દિ’માં બંને સામે ફરિયાદ નોંધાવવા મંડળીના હોદ્દેદારોને આદેશ
વિદ્યાનગર ગ્રાહક સહકારી દૂધ મંડળીના પૂર્વ ચેરમેન અને સેક્રેટરી 2021માં કોરોના કાળ દરમિયાન મંડળીના સભ્યોની જાણ બહાર મંડળીના મકાન મોર્ગેજ દસ્તાવેજો ખોટી રીતે તૈયાર કરી યુકો બેંકમાં ગીરો મુકીને રૂા. 75 લાખ અંગત કામ વાપરી નાંખીને ઉચાપત કરી હોવાનું જાગૃત નાગરિક દ્વારા બહાર લવાયું હતું. જે અંગે તેઓએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી લેખિતમાં રજૂઆત કરતાં જિલ્લા રજિસ્ટ્રાર તપાસ કરીને મંડળીના પૂર્વ ચેરમેન અને સેક્રેટરીને જવાબદાર ઠેરવીને દિન 10માં બંને સામે ફરિયાદ નોંધાવવા હાલની બોર્ડને હુકમ કર્યો છે.
વિદ્યાનગર ગ્રાહક દૂધ ઉત્પાદક સરકારી મંડલી નાના બજાર બેંક ઓફ બરોડા નજીક વિશાળ મકાન આવેલ છે. મંડળી વર્ષોથી કાર્યરત હોવાથી લાખો ટર્ન ઓવર ધરાવે છે. જેમાં વર્ષોથી મંડળીના ચેરમેન તરીકે મુકેશ પંચાલ સેવા આપતા હતા. જો કે વર્ષ 2021માં કોરોના કાળ દરમિયાન સામાન્ય મળતી ન હોવાથી તે તકનો લાભ લઇને સભાસદોની જાણ બહાર મંડળીના ઠરાવ બુકમાં ચેડછાડ કરીને મિલ્કત ગીરવે મુકવા માટે બોગસ મોર્ગેજ ડીડી તૈયાર કરીને તેના આધારે યુકો બેંક માંથી 75 લાખ ઉપરાંતની લોન લઇને મંડળીના ચોપડે જમા લેવાની જગ્યાએ પોતાના અંગત ખર્ચમાં વાપરી નાંખને છેતરપીંડી આચરી હતી.
આ અંગે જાગૃત નાગરિક અતુલ પરમાર દ્વારા તપાસ કરતાં મંડળી સાથે પૂર્વે ચેરમેને છેતરપીડીં આચરતાં હાલની બોડી દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જેથી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરવામાં આવતાં મંડળીના ઠરાવ બુકમાં ચેંડા કરવામાં આવ્યો છે. ખોટી રીતે લોન લીધી હોવાનું બહાર આવતાં જિલ્લા રજિસ્ટ્રારે દિન-10માં મંડળીના પૂર્વ ચેરમેન અને સેક્રેટરી સામે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો તેમજ મંડળીના સભ્યો ફરિયાદ નહીં નોંધાવે તો તેમની સામે જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ફરિયાદ કરશે તેમ જિલ્લા રજિસ્ટ્રારે જણાવ્યું હતું.