મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 1 લાખ કરોડની દુનિયાની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમને આપી લીલીઝંડી
કેન્દ્ર સરકારે સહકાર સેક્ટરમાં દુનિયાની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમને લીલીઝંડી આપી છે.

- પીએમની આગેવાનીમાં મળી કેન્દ્રીય કેબિનેટની બેઠક
- દુનિયાની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમને આપી મંજૂરી
- સરકારે 1 લાખ કરોડનું બજેટ ફાળવ્યું
સહકાર અને સહકારિતા સેક્ટર માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા દુનિયાની સૌથી મોટી યોજનાને મંજૂરી આપી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં અનાજ સંગ્રહ ક્ષમતા વધારવા માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
હવે સહકારી ક્ષેત્રમાં 700 લાખ ટન સંગ્રહ ક્ષમતા શરૂ થશે
કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, આજની કેબિનેટ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમની મંજૂરીને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે અત્યાર સુધી કુલ સંગ્રહ ક્ષમતા 1450 લાખ ટન છે અને હવે સહકારી ક્ષેત્રમાં 700 લાખ ટન સંગ્રહ ક્ષમતા શરૂ થશે. તેમણે કહ્યું કે સરકાર 1 લાખ કરોડના ખર્ચે વિશ્વની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમ શરૂ કરશે.
દરેક બ્લોકમાં 2000 ટન સ્ટોરેજ ક્ષમતાનું ગોડાઉન બનાવાશે
અનુરાગ ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ સહકારી મંડળીઓને ગતિશીલ બનાવવા માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. દરેક બ્લોકમાં 2000 ટન સ્ટોરેજ ક્ષમતાનું ગોડાઉન બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં અનાજના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન, યુએસએ, બ્રાઝિલ, રશિયા, આર્જેન્ટિના વગેરે જેવા તમામ મુખ્ય ઉત્પાદક દેશો તેમના વાર્ષિક ઉત્પાદન કરતાં વધુ સંગ્રહ ક્ષમતા ધરાવે છે, પરંતુ ભારતમાં અનાજની સંગ્રહ ક્ષમતા વાર્ષિક ઉત્પાદનના માત્ર 47 ટકા છે. જેના કારણે અનાજનો બગાડ થાય છે અને ખેડૂતોને તકલીફ પડે છે.
સિટિઝ (Citiis) 2.0 શરુ કરવાનો પણ નિર્ણય
મંત્રીએ કહ્યું કે આજની બેઠકમાં સિટિઝ (Citiis) 2.0 શરુ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. તેના ભાગ સિટીઝ 1.0ની જેમ જ હશે અને તેને માટે 1866 કરોડનો ખર્ચ આવશે.