
- ચાલક મુસાફરો ભરેલી બસ મૂકી ફરાર
પેટલાદ તાલુકાના મલાતજ ગામ સ્થિત મેલડી માતાના મંદિરે મંગળવાર ભરવા આવેલા વડોદરાના બે આશાસ્પદ યુવકના લક્ઝરી બસની અડફેટે મોત નીપજ્યા હતા. આ બનાવ બાદ લક્ઝરી બસને ચાલક ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો. વડોદરાના દુમાડ ખાતે 19 વર્ષીય વિષ્ણુ પ્રકાશભાઈ ઠાકોર રહે છે અને તે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં બી. કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. દુમાડ ખાતે જ રહેતા તેનો મિત્ર ક્રિશ પ્રકાશ ચૌહાણ સહિત અન્ય પાંચથી છ મિત્રો મંગળવારે રાત્રે વડોદરાથી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકા સ્થિત મલાતજ ગામે બાઈક લઈને મેલડી માતાના મંદિરે મંગળવાર ભરવા માટે આવ્યા હતા.
દરમિયાન, રાત્રિના મંદિરે દર્શન કર્યા બાદ તેઓ ઘર તરફ જવા નીકળ્યા હતા. એ સમયે ક્રિશ બાઈક ચલાવતો હતો અને તેની પાછળ વિષ્ણુ બેઠો હતો. તેઓ પરોઢીયે ચાર વાગ્યાની આસપાસ રવિપુરા પાસેથી પસાર થતા હતા એ સમયે પાછળની પુરપાટ ઝડપે આવી ચઢેલી લક્ઝરી બસે તેમને ટક્કર મારી હતી. જેમાં પાછળ બેઠેલા વિષ્ણુના માથા પરથી લક્ઝરી બસનું ટાયર ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ક્રિશને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ તેમની સાથે રહેલા તેમના અન્ય મિત્રોએ તેમના પરિવારજનોને જાણ કરતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા.
દરમિયાન, ક્રિશને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જોકે, તેને સારવાર મળે તે પહેલાં તેનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ લક્ઝરી બસનો ચાલક અને તેનો કન્ડક્ટર બસને બિનવારસી મૂકી ફરાર થઈ ગયા હતા. બસમાં બેઠેલા મુસાફરો પણ ત્યાંથી નીકળી ગયા હતા. આ અંગે હાલમાં મહેળાવ પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.