5Gની ક્યાં વાત કરો! હવે તો સરકાર 6G લાવી રહી છે, લૉન્ચ કરાયું 6G Alliance, જાણો ભારતને કઈ રીતે થશે ફાયદો
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે 6Gને લઈને એક નવું જોડાણ શરૂ કર્યું, આ જોડાણ ભારતમાં નવી ટેલિકોમ ટેક્નોલોજી અને 6Gના વિકાસ માટે કામ કરશે

- ભારતમાં હવે 6G લાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ
- અશ્વિની વૈષ્ણવે 6Gને લઈને એક નવું જોડાણ શરૂ કર્યું
- ભારતમાં નવી ટેલિકોમ ટેક્નોલોજી અને 6Gના વિકાસ માટે કામ કરશે
ભારતમાં હવે 6G લાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સોમવારે ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે 6Gને લઈને એક નવું જોડાણ શરૂ કર્યું. આ જોડાણ ભારતમાં નવી ટેલિકોમ ટેક્નોલોજી અને 6Gના વિકાસ માટે કામ કરશે. ભારત આ નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી લાવવા માટે સમયસર સારી તૈયારી કરવા માંગે છે, જેથી અન્ય દેશોમાંથી આવતી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઓછી કરી શકાય.
આ સાથે તે આ ટેક્નોલોજીની નિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવવા માંગે છે. 6G એલાયન્સ એ જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને અન્ય વિભાગોનું જોડાણ છે. આમાં દરેક 6G ને આગળ વધારવા માટે યોગદાન આપશે. ઉપરાંત નવા વિચારો સાથે તેને સુધારવામાં આવશે. નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને સાયન્સ ઓર્ગેનાઈઝેશન પણ આમાં હશે.
PM મોદીએ 6જી વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું
આ વર્ષે માર્ચમાં PM મોદીએ 6જી વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. આ સાથે 6G ટેસ્ટ બેડની પણ જાહેરાત કરવામાં આવી હતી. વાસ્તવમાં કોઈપણ ટેક્નોલોજીનું ટેસ્ટ બેડમાં લોન્ચિંગ પહેલા પરીક્ષણ કરવામાં આવે છે. આ એક પ્રકારનું ટ્રાયલ છે જે લોન્ચિંગ પહેલા કરવામાં આવે છે. જો કે, 5G હજુ સુધી સમગ્ર દેશમાં સંપૂર્ણ રીતે આવી શક્યું નથી. કંપનીઓમાં 5G રોલઆઉટ કરવામાં આવ્યું છે, પરંતુ દરેકને 5G નથી મળી રહ્યું. એટલા માટે 6G માટે તૈયારીઓ થઈ રહી છે તેવું કહેવું થોડું ઉતાવળભર્યું હશે.
2030 સુધીમાં 6G લાવવાના પ્રયાસો
ભારત 6જી એલાયન્સ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિઝનને પૂર્ણ કરવાનું છે. 6G ભારતમાં 2030 સુધીમાં લાવવાનું છે, જેથી ભારત વિશ્વના અન્ય દેશો સાથે સ્ટેપ બાય સ્ટેપ મેચ કરી શકે. ભારતીય ડિજિટલ અર્થતંત્ર 2025 સુધીમાં US $1 ટ્રિલિયન સુધી પહોંચી જશે.
સ્વદેશી ટેકનોલોજી પર થઈ રહ્યું છે કામ
30 જૂને ટેલિકોમ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, ટેલિકોમ વિભાગની PLI અને ટેલિકોમ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ (TTDF) યોજનાઓ દ્વારા સંપૂર્ણ સ્વદેશી ટેલિકોમ ટેક્નોલોજી અને ઉત્પાદક વિકાસ થઈ રહ્યો છે. નવીનતમ ટેલિકોમ સુવિધાઓ ઉપલબ્ધ થશે. મહત્વનું છે કે, અશ્વિની વૈષ્ણવે માર્ચ મહિનામાં જણાવ્યું હતું કે, ભારત પાસે 6G માટે 127 પેટન્ટ છે. આ સાથે ભારતને 6G સેક્ટરમાં ઝડપથી આગળ વધવાની તક મળશે.