‘ચંદ્રયાન-3’: જાણો કેટલે પહોંચ્યું? કઇ કક્ષામાં કરશે એન્ટ્રી? મિશનને લઇ ISROએ આપી જાણકારી
ચંદ્રયાન-3 અત્યાર સુધી ક્યાં પહોંચ્યું છે અને કઈ કક્ષામાં પ્રવેશ્યું ?, આ તારીખે પાંચમી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તે પછી તે પૃથ્વીની ભ્રમણકક્ષાને સફળતાપૂર્વક ઓળંગી જશે

- ભારતનું ચંદ્રયાન-3ને લઈ મોટા સમાચાર
- ચંદ્રયાન-3 સતત તેના ગંતવ્ય તરફ વધી રહ્યું છે આગળ
- ચંદ્રયાન-3 ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું
- ચંદ્રયાન-3 આગામી 25 જુલાઈએ પાંચમી ભ્રમણકક્ષામાં કરશે પ્રવેશ
ભારતનું ચંદ્રયાન-3ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ચંદ્રયાન-3 સતત તેના ગંતવ્ય તરફ આગળ વધી રહ્યું છે અને અવકાશના ઊંડાણ સિવાય ચંદ્ર અને તારાઓની ગતિવિધિઓ પર નજર રાખનારા લોકો દરેક ક્ષણે તેની મુસાફરી પર નજર રાખી રહ્યા છે. આખો દેશ તેની સફળતા માટે ઈચ્છી રહ્યો છે અને દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે, ચંદ્રયાન-3 અત્યાર સુધી ક્યાં પહોંચ્યું છે અને કઈ કક્ષામાં પ્રવેશ્યું છે.
ચંદ્રયાન-3 ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું
ચંદ્રયાન-3 અત્યારે ચોથી ભ્રમણકક્ષામાં છે અને પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે. ISRO તરફથી મળેલી માહિતી અનુસાર ચંદ્રયાન-3 આગામી 25 જુલાઈએ પાંચમી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તે પછી તે પૃથ્વીની ભ્રમણકક્ષાને સફળતાપૂર્વક ઓળંગી જશે. આ પછી ચંદ્રયાન-3 ચંદ્રની પરિક્રમા કરશે અને પછી ચંદ્રની સપાટી પર પગ મૂકશે.
ચંદ્રયાન ક્યારે ચંદ્રની ભ્રમણકક્ષામાં જશે
મળતી માહિતી મુજબ ચંદ્રયાન-3ને 31 જુલાઈ અને 1 ઓગસ્ટની રાત્રે ચંદ્ર તરફ મોકલવામાં આવશે અને તે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્રની કક્ષામાં પહોંચશે. આ પછી ચંદ્રયાન-3 ચંદ્રની આસપાસ જશે અને પછી 23 ઓગસ્ટે ચંદ્ર પર પગ મૂકશે. નોંધનીય છે કે, ચંદ્રયાન-3 ગત 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે 15 જુલાઈના રોજ પૃથ્વીની બીજી કક્ષામાં સફળતાપૂર્વક પહોંચ્યું હતું. ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-3ની દરેક ગતિવિધિ પર સતત નજર રાખી રહ્યા છે અને ધીમે ધીમે તેની ગતિ વધારી રહ્યા છે.