અમેરિકામાં હિટ એન્ડ રન થતા પાટણના યુવકનું મોત, આવતા મહિને જ આવવાનો હતો ભારત
અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં હિટ એન્ડ રનમાં પાટણના યુવકનું મોત, સિગ્નલ બંધ હતું તે દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે સર્જાયો અકસ્માત.

- અમેરિકામાં પાટણના યુવકનું મોત
- હિટ એન્ડ રનમાં યુવકનું મોત
- ટુરિસ્ટ વિઝા પર ગયો હતો યુવક
અમેરિકામાં પાટણના યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દુઃખદ સમાચાર મળતા જ યુવકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવકના મૃતદેહને અમેરિકાથી પાટણ લાવવા માટે સરકારને જાણ કરવામાં આવી છે. હાલ યુવકના મૃતદેહને પાટણ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રોડ ક્રોસ કરતી વખતે કારે મારી ટક્કર
મળતી માહિતી અનુસાર, પાટણનો દર્શિલ ઠક્કર નામનો યુવક ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં દર્શિલ સિગ્નલ બંધ હતું ત્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો, આ દરમિયાન અચાનક સિગ્નલ ખુલી જતાં કારે દર્શિલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો.
પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો
દર્શિલના મોતના સમાચાર મળતા જ વતનમાં રહેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની માંગ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દર્શિલ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો અને તે સપ્ટેમ્બર મહિનામાં ભારત પરત આવવાનો હતો.
કેનેડામાં અમદાવાદના યુવકનું થયું હતું મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જુલાઈમાં કેનેડામાં રોડ અકસ્માતમાં અમદાવાદના વર્સિલ પટેલ (ઉં.વ 19)નું મૃત્યુ નિપજ્યું હતું. વર્સિલ પટેલ હાયર એજ્યુકેશન માટે કેનેડા ગયો હતો. તે કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરી શહેરમાં રહેતો હતો. વર્સિલ પટેલ સર્કલ કે કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતો હતો.
રસ્તા પર કારે મારી હતી ટક્કર
તે 21 જુલાઈ રોજ દરરોજની જેમ ચાલીને નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી. રોડ અકસ્માતમાં વર્સિલ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો કારચાલકની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ વર્સિલના મૃતદેહને ભારત લાવવા માટે 30 હજાર કેનેડિયન ડોલર એટલે કે આશરે 18.61 લાખ રૂપિયાની જરૂર હતી.
યુવકના મતદેહને ભારત પરત લાવવા લોકોએ કર્યું હતું દાન
જેથી વર્સિલના કઝિન તરીકે પોતાની ઓળખ આપનાનાર રાજન પટેલે ‘ગોફંડમી’ વેબસાઈટ પર ક્રાઉડ ફંડિંગ શરૂ કરાયું હતું. જેમાં લોકોને વિનંતી કરવામાં આવી હતી કે લોકો ઉદાર હાથે દાન કરે, જેથી વર્સિલના પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે. જે બાદ લોકોએ ક્રાઉડ ફંડિંગમાં દાન કરવાનું શરૂ કર્યું હતું અને ક્રાઉડ ફંડિંગ દ્વારા 26.37 લાખ રૂપિયા એકત્ર થયા હતા. જેના દ્વારા વર્સિલનો મૃતદેહ કેનેડાથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.