મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને માત્ર રાહત, કેસ તો હજુ ચાલુ જ રહેશે, જાણો હવે આગળ શું
સુપ્રીમ કોર્ટ દ્વારા દોષિત ઠરાવવાનો અર્થ એ નથી કે રાહુલ ગાંધી માનહાનિના કેસમાંથી નિર્દોષ છૂટી ગયા, જાણો હવે શું થઈ શકે ?

- રાહુલ ગાંધીને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
- રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાના નિર્ણય પર સ્ટે
- માનહાનિ કેસની સુનાવણી સુરત કોર્ટમાં ચાલશે
મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાના નિર્ણય પર કોર્ટે સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી આ કેસની સુનાવણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રાહુલ ગાંધીની સજા પર રોક રહેશે. આ સાથે કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ કેસમાં મહત્તમ સજા કરવાની શું જરૂર હતી. આ તરફ હવે દરેકને સવાલ થાય કે હવે રાહુલ ગાંધીના કેસમાં શું થશે ? આવો જાણીએ.
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી સુરત કોર્ટનો નિર્ણય પહેલાથી જ શંકાના દાયરામાં હતો. કારણ કે જ્યારે રાહુલ ગાંધીએ મોદી સરનેમનો ઉપયોગ કર્યો હતો ત્યારે નીરવ મોદી જેવા મોટા કૌભાંડીઓ વિદેશમાં બેઠા હતા. તેથી એમ ન કહી શકાય કે તેમણે આ બધું દેશના વડાપ્રધાન માટે કે પૂર્ણેશ મોદી માટે કહ્યું છે. ટ્રાયલ કોર્ટ આ જ વાત સ્વીકારવા સક્ષમ ન હતી. ગુજરાત હાઈકોર્ટ સહમત થઈ શકી ન હતી. પરંતુ આ વાત સુપ્રીમ કોર્ટમાં સાબિત થઈ હતી. પૂર્ણેશ મોદીએ તેની વિરુદ્ધ પોતાનું કાઉન્ટર એફિડેવિટ પણ દાખલ કર્યું હતું. જ્યારે રાહુલ ગાંધી માનહાનિના કેસમાં સતત કહેતા હતા કે તેઓ માફી નહીં માંગે.