
- ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીનીમાંગને ફગાવી દીધી
- રિવિઝન અરજી પેન્ડિંગ ન હોય ત્યાં સુધી બદનક્ષીના કેસની સુનાવણી રોકવાની કરી હતી માંગ
અરવિંદ કેજરીવાલ ન્યૂઝ: PM મોદીની ડિગ્રી વિવાદમાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીની તે માંગને ફગાવી દીધી છે. જેમાં તેમણે નીચલી કોર્ટમાં બદનક્ષીના કેસની સુનાવણી જ્યાં સુધી રિવિઝન અરજી પેન્ડિંગ ન હોય ત્યાં સુધી રોકવાની માંગ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ કેજરીવાલ અને સંજયની અરજી પર સુનાવણી કરી હતી. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ મિહિર જોશીએ વિવિધ દલીલો રજૂ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને કહ્યું કે, રાહત આપવી જોઈએ. જોશીએ કોર્ટને બદનક્ષીના કેસની સુનાવણી જ્યાં સુધી સેશન્સ કોર્ટમાં રિવિઝન પિટિશન પેન્ડિંગ ન હોય ત્યાં સુધી અટકાવવા જણાવ્યું હતું. જસ્ટિસ સમીર દવેએ આકરી ટીપ્પણી કરતાં કહ્યું કે, હવે જ્યારે દિલ્હીમાં બધુ બરાબર છે તો ફરી કેમ હાજર ન થયા ?