
આંકલાવ શહેરમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉંનું વિતરણ કરવામાં આવતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના દુકાનમાં સડેલા ઘઉંનું વિતરણ કરવામાં આવતા ગરીબ લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. પશુઓ પણ આરોગી ન શકે તેવું અનાજ સસ્તા અનાજની દુકાનમાંથી વિતરીત કરવામાં આવ્યું છે જો કે આ સડેલા ઘઉંનો જથ્થો આંકલાવ સરકારી ગોડાઉનમાંથી જ આવ્યો હોવાનું સંચાલકે જણાવ્યું હતું.
વધુમાં મળતી વિગતો મુજબ આંકલાવ શહેરના બસ સ્ટેશન માર્ગ પર પંડિત દિનદયાલ સરકારી ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાન આવેલ છે. દુકાનના સંચાલક દ્વારા આજથી રેશનકાર્ડ ધારકોને મફત ઘઉંનું વિતરણ કરવામાં આવે છે. જો કે આ અનાજ સરકારી ગોડાઉનમાંથી આવ્યું હતું અને આ સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરાતા ઘઉંમાં ખુબ જીવડા અને ઘઉં સડેલા જોવા મળ્યા હતા અને તેજ ગ્રાહકોને સડેલુ અનાજ વિતરણ કરવામાં આવતું હોવાનુ જાણવા મળતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આંકલાવ સરકારી અનાજના ગોડાઉનમાંથી સળેલું અનાજ સસ્તા અનાજની દુકાનદારોને આપવામાં આવ્યું હતું જેને લઈને સરકારી ગોડાઉનના સંચાલકો સામે અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.
વધુમાં ગ્રાહક જયેશભાઇ નટુભાઇ સુથારે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલ ઘઉં સડેલા અને જીવાતવાળા તેમજ ખાવાલાયક નથી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને સસ્તાભાવે અનાજનું વિતરણ કરવાની સગવડ કરાઈ છે પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પાપે ગરીબોને શોષવાનો વારો આવે છે અને સારી ગુણવત્તાવાળુ અનાજ મળતુ નથી ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે.