
- ફૂલ સ્પીડમાં કાર હંકારી 3 બાઈકોને લીધા અડફેટે
- અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, પોલીસ તપાસ શરૂ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત બાદ પણ નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને ફુલ સ્પીડમાં વાહન હંકારીને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ દરમિયાન વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં નબીરાએ એક ફેરિયા સહિત 3 બાઈકો અડફેટે લેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
કાર મકાન સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટની સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને 3 બાઈક અને એક ફેરિયાને અડફેટે લીધો હતો. જે બાદ સ્કોર્પિયો કાર મકાન સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ફેરિયાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતના બનાવને પગલે સ્થાનિકો ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે.
ફૂલ સ્પીડમાં આવેલી કારે મારી ટક્કરઃ સ્થાનિક મહિલા
આ અંગે એક મહિલાએ જણાવ્યું કે, ‘હું શાકભાજી લેવા માટે ઊભી હતી, ત્યારે ફૂલ સ્પીડમાં કાર આવીને શાકભાજીની લારી સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં હું અને શાકભાજી વેચનાર ફંગોળાઈને દિવાલ સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં મને કંઈ થયું નથી, પરંતુ શાકભાજી વેચનારને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. હું બીજી સાઈડમાં ઉભી હોત તો હું પણ અત્યારે હોસ્પિટલમાં હોત.’
ઘટના બાદ સ્થાનિકોમાં રોષ
આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સોમનાથ સોસાયટી ખાતે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.