
- અધિક જિલ્લા કલેક્ટર સહિત ત્રણેયના રિમાન્ડ આજે પૂરા થતા હોવાથી કોર્ટમાં રજૂ કરાશે
આણંદ જિલ્લા કલેક્ટરનો મહિલા સાથેનો વાંધાજનક વીડિયો ક્લિપ બનાવી તેને વાઈરલ કરવાના હાઈ પ્રોફાઈલ કેસમાં બે દિવસના રિમાન્ડ દરમિયાન અવનવી વિગતો પ્રકાશમાં આવી રહી છે. જેમાં મહિલા અધિક જિલ્લા કલેક્ટર સહિત ત્રણેય આરોપીની પૂછપરછમાં ગુનામાં વપરાયેલી હાર્ડ ડિસ્ક સંદેશર સ્થિત નહેરમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરતાં જ સોમવારે સવારે પોલીસની એક ટીમ દોડી ગઈ હતી. પોલીસ દ્વારા નહેરમાં એક કલાકની જહેમત બાદ કોથળીમાં પેક કરેલી બે હાર્ડ ડિસ્ક કબજે લીધી હતી.
અધિક જિલ્લા કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે. ડી. પટેલ અને તેનો એડવોકેટ મિત્ર હરીશ ચાવડાએ કલેક્ટરની વાંધાનજક વીડિયો ક્લિપ બનાવી હતી. દરમિયાન, વીડિયો ક્લિપ ન્યૂઝ ચેનલોમાં પ્રસારિત કરાવ્યા બાદ તેનો મુદ્દામાલનો તેમણે નાશ કર્યો હતો. પોલીસ પૂછપરછમાં ઝાયડ્સ હોસ્પિટલ સામે આવેલા નિશા ગેરેજ પાસે તેને સળગાવી દીધી હતી. એ ઉપરાંત, બે હાર્ડ ડિસ્ક સંદેશર પાસેની નહેરમાં ફેંકી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પાંચેક દિવસ અગાઉ સાંજના સમયે નહેરમાં ફેંકી હતી. દરમિયાન, સોમવારે સવારે પોલીસે આરોપી જે.ડી. પટેલને લઈને સ્થળ પર પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. જેમાં એક કલાકની જહેમત બાદ આ સળગેલી હાર્ડ ડિસ્ક કોથળીમાં પેક કરેલી બળેલી હાલતમાં મળી આવી હતી. આ અગાઉ ગેરેજ પાસેથી પોલીસે બેટરી, અને કેટલાંક શંકાસ્પદ દસ્તાવેજી કાગળીયા કબજે લીધા હતા. તમામ વસ્તુઓ એફએસએલમાં મોકલાઈ છે.
કલેક્ટરે ફાઈલો અટકાવતાં વિવાદ થયો
સરકારે ગત વર્ષે નવી જંત્રી જાહેર કરી હતી. જેથી જૂની જંત્રી દરે દસ્તાવેજ કરવા માટે ફાઇલો વધી ગઇ હતી. જેમાં બિલ્ડરોને 25 લાખના જગ્યાએ નવી જંત્રીમાં 50 લાખ ભરવાના થતાં હતાં. જેથી જૂની જંત્રી પ્રમાણે ફાઇલો મંજૂર કરવા માટે લાઇનો લાગી હતી. ત્યારે અધિક કલેક્ટર, નાયબ મામલતદાર સહિતના કર્મીઓ જૂની જંત્રી પ્રમાણે નિકાલ કરીને બિલ્ડરના બચેલા નાણાંથી 5 લાખ રકમ પડાવી લેતા હતાં. પરંતુ કલેક્ટરે કેટલીક ફાઇલો અટકાવી દેતા કલેક્ટર અને અધિક કલેક્ટર વચ્ચે ડખો થયો હતો.
લાંચ લઈને પ્રિમિયમ ઓછું કરી દેવાતું હતું
ગેરકાયદે દબાણો થયેલા બાંધકામ કે સરકારી જમીનમાં થયેલા બાંધકામનું 1 કરોડનું પ્રિમિયમ ભરવાનું થતું હોય છે. ત્યારે જમીન સુધારણા વિભાગમાં 1 કરોડનું પ્રિમિયમ ે માત્ર 30 લાખ પ્રિમિયમ ભરાવીને મામલો રફેદફે કરાયો હતો. જેમાં 10થી 20 લાખ લેવાતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં જે.ડી.પટેલની માસ્ટરી હતી.
લાંચના પૈસા એક ઓરડીમાં મુકાવાતા હતા
જમીન સુધારણા વિભાગમાં જમીનને લગતા કામ માટે જાવ ત્યારે નાયબ કલેક્ટર જે.ડી.પટેલે નકકી કરેલ રકમ તેઓ જાતે સ્વીકારતા ન હતા. પરંતુ કચેરીમાં બાથરૂમની બાજુની ઓરડીમાં નાણાં ભરેલી થેલી મૂકવતાં હતા. તે થેલી દર વખતે જુદા જુદા કર્મચારીને લેવા મોકલતા હતા જેથી કોઇને ગંધ આવતી ન હતી.