ચંદ્રયાન-3 માટે અમેરિકાની NASA અને યુરોપની ESA પણ આવી આગળ,
યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના ગ્રાઉન્ડ સ્ટેશનો ચંદ્રયાન-3ને સફળ બનાવવા માટે ISROને મદદ કરશે.

- ચંદ્રયાન-3ને સફળ બનાવવા NASA અને ESA કરી રહ્યા છે ISROને મદદ
- ESA વકાશયાનની હેલ્થ પર નજર રાખવા માટે મદદ કરે છે
- તો NASA ટેલિમેટ્રી ડેટા રિયલ ટાઈમમાં ISROને મોકલી આપે છે
NASA, ESA support ISRO: ભારતે 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું છે. ભારતનું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લક્ષ્ય વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ઉતારવાનું છે. આ મિશનની શરૂઆતથી, યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના ગ્રાઉન્ડ સ્ટેશનો અવકાશયાનની હેલ્થ પર નજર રાખવા માટે ISROને મદદ કરી રહ્યાં છે. આ દરમિયાન રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે તેનું લુના-25 મિશન લોન્ચ કર્યું પરંતુ આ મિશન ચંદ્રની સપાટી પર ક્રેશ થઈ ગયું છે.
NASA અને ESA કરી રહ્યા છે ISROને મદદ
ચંદ્રયાન 3 લેન્ડિંગ હાલમાં સમગ્ર વિશ્વની નજર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ પર કેન્દ્રિત છે. આ મિશનને સફળ બનાવવા માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) પણ ઈસરોની સાથે મળીને કામ કરી રહી છે. માત્ર ભારત જ નહીં પરંતુ ઘણા દેશોની નજર આ મિશન પર છે કારણ કે આ મિશનની સફળતા બાદ ઘણા દેશોને તેનો ફાયદો મળવાનો છે.
એક અહેવાલ મુજબ જર્મનીમાં યુરોપિયન સ્પેસ ઓપરેશન સેન્ટર ડાર્મસ્ટેડના ગ્રાઉન્ડ ઓપરેશન એન્જિનિયર રમેશ ચેલ્લાથુરાઈનું કહેવું છે કે “ચંદ્રયાન-3ના લોન્ચિંગથી જ ESAના ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં ટ્રેક કરવા, અવકાશયાનના ટેલિમેટ્રી ડેટા મેળવીને તેને ભારતમાં પહોંચાડવા માટે, ESTRACK નેટવર્કમાં બે ગ્રાઉન્ડ સ્ટેશનનો ઉપયોગ કરી રહ્યું છે.’
ESA આ રીતે મદદ કરે છે
ફ્રેન્ચ ગુઆનામાં ESA ના 15 મીટર એન્ટેના અને યુકેના ગોનહિલી અર્થ સ્ટેશન ખાતે 32 મીટર એન્ટેનાને તેમની તકનીકી ક્ષમતાઓને કારણે આ મિશનને સમર્થન આપવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ બંને સ્ટેશન ચંદ્રયાન-3 મિશન સાથે નિયમિતપણે વાતચીત કરી રહ્યાં છે. આ બેંગલુરુમાં મિશન ઓપરેશન ટીમ અને ચંદ્રયાન-3 સેટેલાઇટ વચ્ચે એક સંપૂર્ણ ચેનલને સક્ષમ કરે છે. ચંદ્રયાન-3નું લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ સમય દરમિયાન આ ગ્રાઉન્ડ સ્ટેશનોનો ટેકો વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
NASA પાસેથી મળી રહી છે મદદ
બીજી તરફ NASAની વાત કરીએ તો તેનું ડીપ સ્પેસ નેટવર્ક ટેલિમેટ્રી અને ટ્રેકિંગ ડેટા પ્રદાન કરે છે. કેનબેરામાં ડીપ સ્પેસ કોમ્યુનિકેશન્સ કોમ્પ્લેક્સમાં DSS-36, DSS-34 અને મેડ્રિડમાં DSS-65 છે જે સુવિધા પૂરી પાડે છે. NASAની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના સામી અસમરે જણાવ્યું હતું કે, “અમે અવકાશયાનમાંથી ટેલિમેટ્રી ડેટા મેળવીએ છીએ, જેમાં તેના હેલ્થ અને સ્થિતિનો ડેટા રિયલ ટાઈમમાં ISROને મોકલીએ છીએ.”