ગુજરાત સરકાર જાહેર કરી શકે પાંચ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ

અમદાવાદ, તા. ૩૦
કોવિડ-૧૯ના કારણે મંદ પડેલા રાજ્યના અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા ગુજરાત સરકારે મોટું રાહત પેકેજ જાહેર કરવાની યોજના ઘડી છે. જે કેન્દ્ર સરકારના ‘આત્મનિર્ભર પેકેજ’ના મોડલ પર આધારિત હશે. એક અઠવાડિયામાં આ પેકેજ જાહેર થઈ શકે છે. પેકેજ બે ભાગમાં વહેંચાયેલું હશે – સીધા આર્થિક લાભ અને સુધારાને આધારિત લાભ.
પૂર્વ કેન્દ્રિય ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાના વડપણ હેઠળ નિષ્ણાંત સલાહકાર સમિતિની રચના કરાઈ છે. આ સમિતિના રિપોર્ટ પ્રમાણે, મોટી સંખ્યામાં રોજગારનું સર્જન કરતાં સેક્ટરને વેગ આપવા માટે સરકાર વિચારણા કરી રહી છે. તે મુજબ કૃષિ, સર્વિસ સેક્ટર, રિયલ એસ્ટેટ અને ના ઉદ્યોગોને પેકેજ દ્વારા મોટી મદદ મળશે. સમિતિએ સોંપેલો રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ મુખ્યમંત્રીએ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પેકેજના સબળા પાસા ચર્ચવા માટે બેઠક કરી હતી. જે અંગેની જાહેરાત ટૂંક સમયમાં જ થશે.પેકેજના ડ્રાફ્ટિંગ સાથે જાડાયેલા એક ગુપ્ત સૂત્રના જણાવ્યા અનુસાર, ‘અઢિયા કમિટીના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર એક અઠવાડિયાની અંદર મોટું આર્થિક પેકેજ જાહેર કરવાની તૈયારીમાં છે. કૃષિ અને સહકારી, ઉદ્યોગો અને ખાણ, શહેરી વિકાસ, પંચાયત અને ગ્રામ્ય વિકાસ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, શ્રમ અને રોજગાર સહિતના વિભાગોને ઉદ્યોગો, વેપાર, કૃષિ સહિતના અર્થતંત્રના તમામ સેક્ટરોના સીધા અને સુધારા આધારિત લાભ આપવા માટે તૈયારી કરવાનું કહ્યું છે.સૂત્રએ આગળ જણાવ્યું કે, વિવિધ ઉદ્યોગો અને વેપારને ડાયરેક્ટર ઈન્ટરેસ્ટ સબસિડી અને ટેક્સ કન્સેશન અપાશે. સાથે જ ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રો વગેરેને સીધા આર્થિક અને અન્ય પ્રોત્સાહક લાભ અપાઈ શકે. પેકેજ ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું હોઈ શકે છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, અર્થતંત્રને બેઠું કરવા અમે ટૂંક સમયમાં જ મોટા આર્થિક પેકેજની જાહેરાત કરીશું. જેનો લાભ સમાજના દરેક વર્ગને મળશે અને ભારત સરકારના પેકેજના આધારે રાજ્યના અર્થતંત્રને વેગ મળશે. જા કે, આ ક્ષણે હું પેકેજની ચોક્કસ વિગત જાહેર ના કરી શકું. એટલું કહીશ કે આ પેકેજ લોકડાઉન પછી આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે પ્રોત્સાહક સાબિત થશે.
One Comment