આણંદ

ધર્મજ રેલ્વે ફાટક પાસે મુસાફરના ૩૨ હજારની રોકડ રકમની ચોરી રીક્ષા ચાલક સહિત ત્રણ ફરાર

આણંદ, તા. ૧૩
પેટલાદ તાલુકાના ધર્મજ ચોકડીથી બોરસદ જતી રીક્ષામાં મુસાફરને બેસાડી ધર્મજ રેલ્વે ફાટકથી થોડે દુર મુસાફરના ખીસ્સામાંથી ૩૨ હજારની રોકડ રકમ ચોરી કરી રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સો ફરાર થઈ જતા આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ખંભાત તાલુકાના જલ્લા ગામની મસ્જીદમાં રહેતા મૌલવી અખ્તરહુસેન ઈબ્રાહીમભાઈ મલેક મુળ ઈટોલા તા. આમોદ જી. ભરુચના વતની છે. જેઓ ગત તા. ૩-૬-૨૦૨૦ ના રોજ સવારે જલ્લા ગામેથી પોતાના વતન ઈટોલા જવા નીકળ્યા હતા અને બપોરે સાડા અગીયાર વાગે ધર્મજ ચોકડીથી બોરસદ તરફ જતી રીક્ષામાં બેઠા હતા. આ રીક્ષામાં અગાઉથી ચાર માણસો બેઠેલા હતા. રીક્ષા ધર્મજ રેલ્વે ફાટક પસાર કરી થોડેક આગળ રીક્ષામાં બેઠેલા એક કિશોરે રીક્ષા ઉભી રખાવી હતી અને છોકરો રીક્ષામાંથી નીચે ઉતરી ગયો હતો. ત્યારે અખ્તરહુસેને પોતાના ઝભ્ભાના ડાબા ખીસ્સામાં જાતા ૨૫ હજાર રુપિયા ગુમ થયા હોવાનું જણાયું હતું. જેથી તેઓએ રીક્ષા ઉભી રખાવી દોડીને કિશોરને ઝડપી પાડ્યો હતો અને પૈસા પરત માંગતા કિશોરે ચોરી કરેલા ૨૫ હજાર રુપિયા પરત આપી દીધા હતા. પરંતુ ઝભ્ભાના જમણા ખીસ્સામાં મુકેલા ૩૨ હજાર રુપિયા પણ ચોરી થયા હોવાનું જણાતા જે પૈસા બાબતે કિશોરની પુછપરછ કરતા કિશોરે કહ્યું હતું કે રીક્ષામાં બેઠેલા બે શખ્સોએ તમારા પૈસા કાઢી લીધા છે. જેથી અખ્તરહુસેન રીક્ષા નજીક જતા રીક્ષા ચાલકે રીક્ષામાં બેઠેલા બે મુસાફરો સહિત રીક્ષા પુરપાટ ઝડપે હંકારી મુકી હતી. જેથી અખ્તરહુસેને બુમો પાડવા છતાં રીક્ષા ઉભી રાખેલ નહી. દરમિયાન કિશોર પણ ફરાર થઈ ગયો હતો. જેથી આ બનાવ અંગે અખ્તરહુસેન ઈબ્રાહીમ મલેકે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રીક્ષા ચાલક સહિત અંદર બેઠેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button