જહાજ ગામમાં આકાશી વીજળી પડતા બે ભેંસોના મોત ૪૬ હજારની સહાયનો ચેક પશુપાલકને અપાયો

આણંદ, તા. ૧૫
ખંભાત તાલુકાના જહાજ ગામમાં સીમ વિસ્તારમાં આવેલા આંબલિયાપુરામાં ઘર આગળ બાંધેલી બે ભેંસો ઉપર આકાશી વીજળી પડતા બંન્ને ભેંસોના મોત થવા પામ્યા હતા. જીવન નિર્વાહની જીવાદોરી સમાન બે ભેંસોના મોત થતા પશુપાલકની સ્થિતિ દયાજનક બની જવા પામી હતી. દરમ્યાન સરપંચ દ્વારા સહાય અંગેની કાર્યવાહી હાથ ધરાતા પશુપાલકને ૪૬ હજારની સહાય મંજૂર કરાઇ હતી. જે અંગેનો ચેક પણ પશુપાલકને આપવામાં આવ્યો હતો. આણંદ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વરસાદી માહોલ જામતા દિવસ દરમિયાન ગમે ત્યારે હળવા કે ભારે ઝાપટારૂપે વરસાદ પડી રહ્યો છે. આ માહોલમાં આકાશી વીજળીએ પણ ચમકારો બતાવ્યો છે. આકાશી વીજળી પડવાના બનાવો બની રહ્યાં છે. ગત તા. ૩૦ જૂન,ર૦ર૦ના રોજ જહાજના આંબલીયાપુરામાં પશુપાલકે ઘર આગળ બાંધેલી બે ભેંસો ઉપર આકાશી વીજળી પડતા બંન્ને ભેંસોના મોત નિપજ્યા હતા. આ બાબતની જાણ ગામના સરપંચ અનીલાબેન ઠાકરને થતા તેમણે પંચાયત દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખંભાત તાલુકા પંચાયત દ્વારા સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કુદરતી આફતમાં માનવ કે પશુની જાનમાલની ઘટનામાં મળતી સહાયની કાર્યવાહી કરીને પશુ નિયામકની કચેરી, આણંદ ખાતે જરુરી કાગળો રજૂ કર્યા હતા. જે ધ્યાને લઇને પશુ નિયામક દ્વારા રૂ. ૪૬ હજારની સહાય મંજૂર કરી હતી. સરપંચ, તલાટી,દૂધ મંડળીના ચેરમેન વગેરેએ પશુપાલકના ઘરે જઈને ચેક આપતા પશુપાલકે સૌનો આભાર માન્યો હતો.