સોજીત્રામાં જુગારના નાટકના નામે સેટીંગનો ખેલ

આણંદ, તા. ૩૦
સોજીત્રા પોલીસ દ્વારા શ્રાવણ માસ દરમિયાન રમાતા જુગારને અટકાવાના નામે રેઈડ પાડવામાં આવે છે. જાેકે માત્ર કેટલાક કિસ્સામાં તો ચોપડાઓ ઉપર બતાવવા ખાતર ત્રણ થી ચાર નામ બતાવીને ઓછી રકમ બતાવી ભીનુ સંકેલવામાં આવી રહ્યું છે. બે દિવસ અગાઉ સોજીત્રા ગામેથી રાજકીય મોટા માથા સહિત કેટલાક શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. જેથી પોલીસે માત્ર નજીવી રકમનો જુગાર બતાવી અને મોટા માથા પાસે મોટો વહીવટ લઈને તેઓના નામ હટાવી દેવાના આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સોજીત્રા પોલીસ અને વહીવટદારો પોતાના સેટીંગમાં રચ્યા પચ્યા રહે છે અને જુગાર સહિતની બાતમી આપીને રેઈડ પાડવામાં આવે છે. જાેકે પોલીસ પણ જુગારીઓ પાસે નાટક કરતી હોય તેમ દાવ પર મુકેલી અને ખીસ્સામાંથી પકડાયેલી રકમનો સાચો આંક તથા વાહનો અને મોબાઈલ પણ સરકારી ચોપડે બતાવવામાં આવતા નથી. માત્ર નજીવી રકમ બતાવે છે. હાલમાં ફાર્મહાઉસ અને ખેતરોમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે આવી જગ્યાએ દરોડા પાડીને તેઓને ઝડપી પાડવાના નામે ખીસ્સા ભરવાનો ખેલ રચી રહી છે. કેટલાક કિસ્સામાં તો પોલીસ અગાઉથી જ સેટીંગ કરી લે. જ્યારે નિયમિત સ્થળોએ જુગાર રમાતો હોય તેવા સ્થળોએ રેઈડ પાડતી નથી. તેવા આક્ષેપો કરવામાં આવે છે. સોજીત્રા પોલીસ સ્ટેશનના કેટલાક વહીવટદારો અને કોન્સ્ટેબલો હાલમાં આ કામગીરીમાં રોકાયેલા છે. જુગારમાં પકડાયેલી રકમ બાતમીદારોને આપવાની હોવાથી ઓછી બતાવવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.