આણંદ

બોરીયા ગામનાં મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અંગે હાઇકોર્ટનો મનાઈ હુકમ

પેટલાદ, તા. ૮
પેટલાદ તાલુકાના બોરીયા ગામનાં મહિલા સરપંચ સામે પંચાયતના સભ્યો દ્વારા બીજી વખત અવિશ્વાસની દરખાસ્ત લાવતાં મહિલા સરપંચે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા. અગાઉ કરેલ પીટીશન હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારીએ ૧૦મી ઓગસ્ટના રોજ અવિશ્વાસ પસાર કરવા સામાન્ય સભા બોલાવવાનો હુકમ કરતાં નામદાર હાઈકોર્ટે હાલ ૧૯ ઓગસ્ટ સુધી રુકજાવનો આદેશ આપતાં બોરીયા ગામનું રાજકારણ પુનઃ ગરમાયું છે. બોરીયા ગામના મહિલા સરપંચ રીજવાનાબેન વિરેન્દ્રસિંહ મહિડા તા. ૨૮/૦૬/૨૦૧૯ ના રોજ સરપંચ તરીકે ચૂંટાયાં હતા. આ મહિલા સરપંચ સામે માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં જ અવિશ્વાસની દરખાસ્ત પંચાયતના સભ્યોએ કરી હતી તે વખતે મહિલા સરપંચે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા અને ટાંક્યું હતું કે સરપંચના એક વર્ષના ટૂંકા સમયગાળા દરમિયાન અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય નહીં. નામદાર હાઇકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લીકેશન ૯૦૦/૨૦ તરીકે દાખલ થઇ હતી તેની મુદ્દત તા. ૩૧ માર્ચના રોજ મુકર્રર થઈ હતી. જ્યારે ૨૩ માર્ચથી લોકડાઉન જાહેર થતાં નામદાર હાઇકોર્ટમાં આ અરજી પર કોઈ સુનાવણી ન થતાં પેન્ડિંગ હતી. ત્યારબાદ પંચાયત સભ્ય રમણભાઈ રોહિતે પુનઃ અવિશ્વાસની દરખાસ્ત ૧૩ જુલાઈના રોજ કરતાં નાનકડાં એવા ગામમાં રાજકારણ ગરમાયું હતું. આ અવિશ્વાસની દરખાસ્ત અંગે ૧૫ દિવસમાં સરપંચે સામાન્ય સભા બોલાવવાની થાય. સમય વીતતાં છતાં સરપંચ સભા ન બોલાવે તો તાલુકા વિકાસ અધિકારી સામાન્ય સભા બોલાવી શકે. પરંતુ આ અંગે મહિલા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે હાલ અમારી અગાઉની અવિશ્વાસની દરખાસ્ત અંગેની દાદ અમોએ નામદાર હાઇકોર્ટમાં માંગેલ છે તે હાલ પેન્ડીંગ હોઈ કોઈ ર્નિણય ન કરવા રજૂઆત કરી હતી જ્યારે તાલુકા વિકાસ અધિકારી એમ.જે.નાકિયાએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા ૧૦ ઓગસ્ટના રોજ બપોરે ૧૨ઃ૦૦ કલાકે સામાન્ય સભા બોલાવવાનો આદેશ કર્યો હતો. જે અંગે તલાટીએ સરપંચ સહિત સભ્યોને એજન્ડાની બજવણી કરતાં નવો વળાંક આવ્યો હતો. જે પૂર્વે મહિલા સરપંચે હાઇકોર્ટના દ્વારે પહોંચી એડવોકેટ હિરેન સુમૈયા દ્વારા રજૂઆત કરાતાં નામદાર હાઇકોર્ટના ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ સાહેબે આ અંગે રુકજાવનો આદેશ આપી ૧૯ ઓગસ્ટની બીજી મુદ્દત નક્કી કરતાં ૧૦ ઓગસ્ટના રોજ બોલાવેલ અવિશ્વાસ અંગેની સામાન્ય સભા સામે ૧૯ ઓગસ્ટ સુધી મનાઈ હુકમ ફરમાવતાં પંચાયત સભ્યો સહિત કહેવાતાં હિત સત્રુઓમાં સોંપો પડી જવા પામ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button