પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

દેશમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. અને સતત કોરોનાનાં કેસોનો ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેવામાં આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ કોરોના સંક્રમિત થયા છે. પ્રણવ મુખર્જીએ પોતે ટ્વીટ કરીને દેશવાસીઓને આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રવિવારે કોરોનાને કારણે એક જ દિવસમાં દેશમાં 1007 લોકોનાં મોત નિપજ્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરતાં લખ્યું કે, હોસ્પિટલમાં એક પ્રોસિજર દરમિયાન હું કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ગત અઠવાડિયે મારા સંપર્કમાં આવેલાં લોકોને હું વિનંતી કરું છું કે, તેઓ સેલ્ફ આઈસોલેશનમાં જતાં રહે અને પોતાનો કોરોનાનો રિપોર્ટ કરાવી લે.
તમને જણાવી દઈએ કે, પ્રણવ મુખર્જીની ઉંમર 84 વર્ષ છે, તેવામાં વધુ ઉંમરને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલાં પ્રણવ મુખર્જી 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હાલમાં હાઈ પ્રોફાઈલ લોકો પણ કોરોનાના સંક્રમણનો શિકાર બની રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ સહિત અન્ય મંત્રીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.