આણંદ

આણંદમાં માર્ગો પરના ખાડાઓના પુરાણનો ખર્ચ રોડ-ડ્રેનેજ વિભાગના અધિકારીઓએ ભોગવવા ચીફ ઓફિસરની નોટિસ

આણંદ, તા. ૨૯
આણંદ શહેરમાં છેલ્લા પખવાડિયાથી વરસાદના કારણે શહેરના વિવિધ માર્ગો પર મોટા ખાડાઓ અને ભૂવાઓ પડી જવાના દૃશ્યો જોવા મળી રહ્યા છે. જયારે કેટલાક વિસ્તારોમાં રોડ બેસી ગયાની સ્થિતિ સ્થાનિકો માટે મુશ્કેલીજનક બની છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઇ જવા ઉપરાંત તૂટી ગયેલ રોડની ભયજનક સ્થિતિ અંગે જાગૃતજનો દ્વારા આણંદ પાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી. જે ધ્યાને લઇને ચીફ ઓફિસર દ્વારા શહેરના માર્ગો પર પડેલ ખાડા, ભુવાઓની સમસ્યા અંગે જે-તે વિભાગના અધિકારીઓને નોટિસ પાઠવી છે. જેમાં ખાડા, ભુવા પુરાણનો ખર્ચ અધિકારીઓએ જાતે ભોગવવાનો રહેશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ નોટિસથી રોડ-રસ્તા, ગટર સહિતના વિભાગોના અધિકારીઓમાં હડકંપ મચી જવા પામ્યાનું જાણવા મળે છે. જાણવા મળ્યાનુસાર આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક કે બે વર્ષમાં જ લાખોના ખર્ચ નવીન રોડ બનાવવામાં આવ્યા છે તો કેટલાક વિસ્તારોમાં લાખોના ખર્ચ અગાઉના માર્ગોનું નવીનીકરણ કરાયું છે. પરંતુ આ વર્ષ વરસાદમાં આ માર્ગો પર જોખમી ખાડાઓ પડી જવા પામ્યા છે. તો કેટલાક માર્ગો વરસાદમાં બેસી જવાથી સ્થાનિકોને વાહન લઇને કે ચાલતા નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ઉપરાંત અનેક વિસ્તારોમાં ભરાઇ રહેતા વરસાદી પાણી દિવસો સુધી ઓસરતા પણ નથી. જેના કારણે પણ સ્થાનિકોને સામાન્ય અવરજવરમાં પરેશાની ભોગવવી પડી રહી છે. આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી જાગૃતજનો દ્વારા ખાડા અને રોડ બેસી જવા સહિતની વરસાદી પરેશાની અંગે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના રોડની ગુણવત્તા યોગ્ય ન હોવાનું તેમજ રોડ બનાવવામાં જરુરી મટીરીયલનો ઉપયોગ પણ ન કરાયાનો, પાલિકાના અધિકારીઓએ સ્થળ તપાસ ન કર્યા સહિતના આક્ષેપો પણ કરાયા હોવાનું જાણવા મળેલ છે. આ અંગે આણંદ પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગભાઇ પટેલને પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે, વરસાદમાં રોડ બેસી જવા, ખાડા પડવાની સમસ્યા-રજૂઆતો પાલિકાને મળી છે. આથી શહેરીજનોને સમસ્યારુપ બનેલ આ મામલે રોડ અને ડ્રેનેજ વિભાગના કર્મચારીઓને નોટિસો પાઠવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાઓ,ભુવાઓ તેમજ વરસાદી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનની કામગીરી જે તે વિભાગના અધિકારીઓએ પોતાના સ્વખર્ચ દિન-૭માં કરવાની રહેશે. નોટિસમાં દર્શાવ્યા મુજબની નિયત સમયમાં કામગીરી ન કરનાર સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરાશે તેમ ચીફ ઓફિસરે ઉમેર્યુ હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button